કૃષ્ણલાલ ત્રિવેદી

પ્લેગના દર્દીઓની સેવા કરી પ્રજા તરફથી સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર દીવાન કૃષ્ણલાલ ત્રિવેદીનો જન્મ સૌરાષ્ટ્ર્ના સાગરકાંઠાનું ગામ ઘોઘામાં થયો હતો.
ગરીબ સ્થિતિની દશાનો પાર પામી ગયેલા કિશોર કૃષ્ણલાલે વધુ ભણવાનો દ્દઢ નિર્ધાર કર્યો.મેટ્રિકની પરીક્ષા ઉતીર્ણ થયા કે તુરત જ કલાર્ક તરીકેની નોકરી સ્વીકારી, સાથે સાથે કાયદાનો અભ્યાસ ચાલુ રાખી વકીલાતની પરીક્ષા પાસ કરી.


કર્તવ્યનિષ્ઠાના પરિપાકરૂપે તેઓ ભાવનગર મ્યુનિસિપાલિટીના કમિશનર થયા. અચાનક ભાવનગર પર પ્લેગના રોગની આફત આવી. પ્રજા સ્થળાંતરકરવા લાગી.

કૃષ્ણલાલ ઘેર ઘેર ફરી પ્લેગના દર્દીઓની સારવાર કરી. તેમના આ માનવીય અને સાહસભરી સેવાથી પ્રજાજનોની પ્રસન્નતાનો કોઇ પાર રહ્યો નહીં.
તેમની આ નિ:સ્વાર્થ સેવાની કદરરૂપે નગરજનો તરફથી સુવર્ણચંદ્રક અર્પણ કરાયો. પોતાની કાર્યનિષ્ઠાથી ખ્યાતનામ થયેલા શ્રી ત્રિવેદીને જસદણના રાજયે મુખ્યદીવાન તરીકે પસંદ કર્યાં.દરમિયાન રાજયમાં દુષ્કાળરૂપી આફતના ઓળાં ઉતરી આવ્યા.

ફરી પ્રજા સેવામાં લાગી ગયા અને રાજની રૈયતને પ્રાણ ફૂંકીને બેઠી કરી. તેઓમાં વિદ્યા તરફ ઊંડી અભિરુચિ હતી.કોઇપણ કાર્ય સંભાળવા તત્પર રહેતા અને સાંભળ્યા પછી પોતાની ઉજ્જવળ છાપ છોડી જતા.

પુરુષાર્થનો પુણ્યપ્રતાપ પાથરી આ પ્રભાવશાળી પુરુષે 27/1/1950 ના રોજ ચિરવિદાય લીધી. તેમનું સૂત્ર હતું ’દ્દઢ નિશ્વયથી ખંતપૂર્વક કામ કરો.

સત્યાવીસમી જાન્યુઆરીના દિવસની વૈજ્ઞાનિક ઘટનાઓ

૨૭ જાન્યુઆરી, ૧૯૨૬


પ્રથમ વાર ટી.વી.ના સાધનના શોધક લોગી બાયર્ડ દ્વારા લંડન ખાતેની રોયલ ઇન્સ્ટિટયૂટમાં ટી.વી.નું નિર્દેશન કરવામાં આવેલું.
 

એડવર્ડ જેનર

શરીર વિજ્ઞાન ક્ષેત્રે પ્રવેશ કરીને શીતળાની રસીની શોધ કરનાર વૈજ્ઞાનિક એડવર્ડ જેનરનો જન્મ ઇંગ્લેન્ડમાં થયો હતો. નાનપણથી જ આ બાળકની પ્રવૃતિ અને રુચિ પ્રાણીશાસ્ત્ર પ્રત્યે હતી. એ યુગના મહાન ’સર્જન’ જોન હન્ટર જેનરના પરામર્શદાતા અને પથપ્રદર્શક બની રહ્યા.

તબીબી વ્યવસાય શરૂ કર્યા પછી શીતળા કે મોટી માતાના રોગે દેખા દીધી. જેનરે બધા મળીને સત્તાવીસ રોગોનું પરીક્ષણ કર્યું અને શીતળાના રોગની મુક્તિને માટે તેમણે જે પદ્ધતિનું નિદર્શન કર્યું તે જાનના જોખમે તેમણે કરેલા પ્રયોગોના નિચોડરૂપે હતું.

શરૂઆતમાં સ્વાભાવિક રીતે એક પ્રચંડ વંટોળ,ઉહાપોહ ઊઠવવાનો જ હતો, પરંતુ ઉતેજનાની આ ભરતી જેમ આવી એમ ઓસરી પણ ગઇ.
જેનરે પોતાની રીતો ચિકિત્સાજગત સામે સિદ્ધ કરી બતાવી, જેના ફળસ્વરૂપે આખાય વિશ્વે એને સન્માન આપ્યું.સંસદમાં એને ‘નાઇટહૂડ’ ઉપાધિ આપી ઇનામ આપ્યું.

રશિયાના સમ્રાટ ઝારે એને માટે સોનાની વીંટી મોકલી અને ફ્રાન્સના નેપોલિયને એમની મુકતકંઠે પ્રશંસા કરી. શીતળાના રોગની મુક્તિ માટે તેમણે શોધેલી રીત એટલી સરળ,સચોટ અને ચોક્કસ હતી કે કેવળ ઇંગ્લેન્ડમાં જ નહીં, વિશ્વના અનેક દેશોમાં આ પદ્ધતિનો ફેલાવો થયો.
26/1/1823 ના રોજ ડૉ.જેનર અવસાન પામ્યા.કોઇપણ સુંદર મુખારવિંદને કુરૂપ બનાવી દેતા શીતળાના રોગનો સચોટ ઉપાય બતાવનાર ડૉ.એડવર્ડ જેનર સદા અમર રહેશે.

છવ્વીસમી જાન્યુઆરીના દિવસની વૈજ્ઞાનિક ઘટનાઓ

૨૬ જાન્યુઆરી, ૧૮૨૩

બ્રિટિશ તબીબ જેમણે રોગોના પ્રતિકાર માટેની રસીનો ખ્યાલ આપ્યો એવા મહાન માનવી એડવર્ડ જેનરનું અવસાન આ દિવસે થયું હતું. તેમણે શીતળાની રસી શોધી હતી. બ્રિટનમાં ૧૮૫૩થી શીતળાની રસી મુકાવવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું. જેનરે પક્ષીઓનો અભ્યાસ કરેલો. બ્રિટિશ સરકારે શીતળાની રસી માટે તેમને ૩૦૦૦ પાઉન્ડનો પુરસ્કાર આપેલો.

૨૬ જાન્યુઆરી, ૧૯૯૯


એડમંડ હિલેરીના પુત્ર પીટર હિલેરી દક્ષિણ ધ્રુવ પર પહોંચ્યા.
 

૨૬ જાન્યુઆરી, ૨૦૦૧


ભારતના આ પ્રજાસત્તાક દિને ગુજરાતમાં કચ્છ જિલ્લામાં ભુજ પાસે તેમજ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં સવારે ૮.૪૬ વાગ્યે ૬.૯ રિક્ટર સ્કેલનો ભીષણ ભૂકંપ થયો. લગભગ ૨૦,૦૦૦ માનવીઓના મૃત્યું થયાં. ૧,૬૬,૦૬૧ જેટલાં માનવી ઈજાગ્રસ્ત થયાં, ૧,૭૧,૬૨૨ મકાનો ધરાશાયી થયાં, ૧,૬૭,૦૩૫ કાચાં મકાનો જમીનદોસ્ત થયાં, ૪,૮૮,૨૮૮ મકાનો ક્ષતિગ્રસ્ત થયાં. ગુજરાતનાં ૧૮૧ તાલુકામાં ૭,૬૩૩ ગામોને આ ભૂકંપની અસર થઈ.

સ્વામી આનંદ

સાધનાવંત અને સાહિત્યકાર હિંમતલાલ દવેનો જન્મ ઇ.સ.1887 માં સૌરાષ્ટ્રના ઝાલાવાડના શિયાણી ગામે થયો હતો. કિશોર વયે જ ઘર છોડીને તેઓ ચાલી નીકળ્યા.


દરમિયાન યોગીઓના પરિચયમાં આવ્યા.હિંદી અને બંગાળી પણ છૂટથી તેઓ બોલી શકતા. ગાંધીજીના સિદ્ધાંતો એમણે જીવનમાં ઉતાર્યા. એટલુ જ નહીં બારડોલી સત્યાગ્રહ વખતે તેમણે સરદારના મંત્રી તરીકેની મહત્વની જવાબદારી પણ સંભાળેલી.

તેમની પ્રતિભા જબરદસ્ત હતી.વિસ્મયતા એ કહેવાય કે સ્વામીદાદાએ શાળા-કૉલેજમાં ગયા વગર સિદ્ધિ મેળવી હતી. ગાંધીજીના ’નવજીવન’ અને ‘યંગ ઇન્ડિયા’ નું તંત્રી સંચાલન તેમણે હાથમાં લીધું.

એમના વીસેક પુસ્તકો પ્રગટ થયા છે, જેમાં ‘કુળકથાઓ’, ધરતીનું લૂણ’, ‘આતમના મૂલ’,’સંતોનો ફાળો’ વગેરે અનન્ય છે.હિમાલયનો પ્રવાસ ખેડ-નાર કાકાસાહેબની ત્રિપુટીમાં એક સ્વામી આનંદ પણ હતા.

ધરતીકંપ,રેલરાહત,સત્યાગ્રહ આંદોલન-આ બધામાં સ્વામીદાદા આગળ પડતો ભાગ લેતા. બ્રહ્મચર્યંના ઓજસથી ઝગારા મારતા ગૌર બદનમાંથી તેજ ઝરતી આંખોથી માંડીને હળવા હૈયાથી વહેતી એમની વાણી સાંભળવી એ પણ એક લહાવો હતો.

પ્રકૃતિએ અત્યંત સંવેદનશીલ સ્વામીદાદાને સ્વજનોની ચિરવિદાય પછી જિંદગી વસમી લાગતી હતી.તેઓ કહેતા : ’બિસ્તરા બાંધી, ટિકિટ કપાવી વરસોથી પ્લેટફોર્મ પર બેઠો છું,પણ મારી ગાડી જ આવતી નથી.’25/1/1976નારોજ એક કમબખ્ત ગાડી આવી અને મુંબઇમાં તેમનું દેહાવસાન થયું.

પચીસમી જાન્યુઆરીના દિવસની વૈજ્ઞાનિક ઘટનાઓ

૨૫ જાન્યુઆરી, ૧૬૨૭

આઈરીશ રસાયણશાસ્ત્રી રોબર્ટ બોઈલનો જન્મ આ દિવસે થયો હતો. તેમણે વાયુ અંગેના નિયમો આપ્યા તેમજ તત્વ, એસિડ અને આલ્કલી અંગેના આધુનિક ખ્યાલો આપ્યા.

૨૫ જાન્યુઆરી, ૧૯૮૩

આ દિવસે ઇન્ફ્રારેડ એસ્ટ્રોનોમિકલ સેટેલાઇટ (IRAS) બ્રહ્માંડના અભ્યાસ માટે છોડવામાં આવ્યો. તારામાંથી ઉષ્માનું વિકીરણ કઈ રીતે થાય છે તેનો વિસ્તૃત અભ્યાસ આ દ્વારા થઈ શકશે તેમજ આકાશગંગા તથા બીજા ખગોળીય પિંડો તેમજ નવા ગ્રહો કઈ રીતે બને છે તેની માહિતી આ ઉપગ્રહ દ્વારા મેળવવામાં સફળતા મળી છે.
 
IRAS beside some of its all-sky images

ડૉ. હોમી જહાંગીર ભાભા

ભારતને વૈજ્ઞાનિક પ્રગતિને પંથે દોરનાર મહાન વૈજ્ઞાનિક ડૉ. હોમી જહાંગીર ભાભાનો જન્મ ઇ.સ.1909 માં થયો હતો. પિતાના વિચારને અનુસરીને તેઓ વિજ્ઞાનના ઉચ્ચ અભ્યાસ તરફ વળ્યા.ત્યારબાદ સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રમાં સંશોધન કરવાની તક મળી.


તેમણે માત્ર સંશોધનમાં જ પોતાનો સમય વ્યતીત ન કર્યો, પરંતુ ભારતના ભાવિને નજર સમક્ષ રાખીને તેમણે તેજસ્વી સ્નાતકોને વિજ્ઞાનની લગની લગાડવાનું ભગીરથ કાર્ય કર્યુંહતું. તેની મહત્વની શોધોનો ઉલ્લેખ કરીએ તો વિશ્વ કિરણોને લગતુ સંશોધન, પરમાણુ ભટ્ઠીમાં ફરી ફરી મૂળ પદાર્થો વાપરી સસ્તું બળતણ મેળવવું,મેસનકણોની શોધ વગેરે સવિશેષ છે.

આજે ભારતમાં આપણે જે કંઇ અણુશક્તિ આધારિત ઉદ્યોગો, વિદ્યુતઘરો અને ભારે ઉદ્યોગો જોઇએ છીએ એનુ શ્રેય આ મહાન વૈજ્ઞાનિકને ફાળેજાય છે.
તેમની પાસે રચનાત્મક અભિગમ હતો. તેઓ શાંતિના ઉપાસક હતા. ટાટા રસર્ચ ઇન્સ્ટિટ્યુટમાં એકી સાથે ત્રણસો જેટલા વૈજ્ઞાનિકોને ઉચ્ચકક્ષાની તાલીમ આપતા.

પોતાની વૈજ્ઞાનિક શોધો અંગેની એક એક વિગત તેમણે એટલી ચોકસાઇથી ટપકાવી રાખેલી કે 24/1/1966 ના રોજ ડૉ.હોમી ભાભાનું વિમાન અકસ્માતમાં નિધન થયું છતાં પણ રાષ્ટ્રના અણુશક્તિ પંચનું કાર્ય અવિરતપણે ચાલુ રહી શકયું છે.તેમણે આધુનિક ભારતીય વિજ્ઞાનને વિશેષ કરીને અણુ વિજ્ઞાનને આપેલી દિશા તેમનું નામ અજરામર કરી ગઇ

ચોવીસમી જાન્યુઆરીના દિવસની વૈજ્ઞાનિક ઘટનાઓ

૨૪ જાન્યુઆરી, ૧૮૩૮

મોર્સ કોડનો ઉપયોગ કરી પ્રથમ ટેલિગ્રાફિક સંદેશાનું પ્રસારણ કરવામાં આવ્યું.


૨૪ જાન્યુઆરી, ૧૯૬૬


ભારતના ન્યુક્લિઅર ભૌતિવિજ્ઞાનવિદ તેમજ અણુશક્તિનો પાયો નાખનાર ડો. હોમી જહાંગીર ભાભાનું વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું. આ અકસ્માત આલ્પ્સની પર્વતમાળામાં થયો હતો. તેમણે બ્રહ્માંડ કિરણોનો અભ્યાસ કરેલો. ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ, બેંગ્લોરમાં તેમણે સંશોધન કાર્ય કરેલું. તેઓ રોયલ સોસાયટીના ફેલો નિમાયા. ૧૯૪૪માં તેમણે ટાટા ટ્રસ્ટને પત્ર લખ્યો જેને કારણે ૧૯૪૫માં ટાટા ઇન્સ્ટિટયૂટ ઓફ ફન્ડામેન્ટલ રીસર્ચ (TIFR)ની સ્થાપના મુંબઈ ખાતે થઈ.૧૯૪૮માં ભારતના પ્રથમ એટોમિક એનર્જી કમિશનના ચેરમેન તરીકે નિયુક્ત થયા. તેમના નેતૃત્વ નીચે મુંબઈમાં ટ્રોમ્બે ખાતે અપ્સરા, સાઈરસ અને ઝર્લિના જેવાં અણુ રીએકટરો તૈયાર કરવામાં આવ્યાં. ૧૯૬૩માં તારાપુર એટોમિક પાવર સ્ટેશન શરૂ કરવામાં આવ્યું. ઊર્જા ક્ષેત્રે એક નવી દિશા ખૂલી. તેમણે ભારતમાં અણુ ઊર્જાનો પાયો નાખ્યો હતો. ભારત આજે અણુ સત્તા બન્યું છે તેના પાયામાં ડો. હોમી ભાભા હતા.

૨૪ જાન્યુઆરી, ૧૯૮૬

વોયેજર – ૨ અવકાશયાનને યુરેનસ ગ્રહ તરફ છોડવામાં આવ્યું.
 
Voyager spacecraft.jpg

સુભાષચંદ્ર બોઝ

સુભાષચંદ્ર બોઝ.JPGસ્વાતંત્રના અણનમ યોદ્ધા,ચેતનાનો મહાધોધ એટલે સુભાષચંદ્ર બોઝ. તેમનો જન્મ 23/1/1897 ના રોજ ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો.
બાળપણથી જ તેજસ્વી હતા.આઇ.સી.એસ.ની પરીક્ષા ઉતીર્ણ કરી ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા. દેશબંધુએ સુભાષબાબુને બંગાળ રાષ્ટ્રીય વિદ્યાપીઠના આચાર્ય તરીકે મૂક્યા.


સરકારે તેમની ધરપકડ કરી જેલમાં પૂરી દીધા. આ નજરકેદમાંથી છટકીને ભાગી જઇ માતૃભૂમિને આઝાદ કરવા તેઓ થનગની રહ્યા હતા. જાપાનમાં વસતા શ્રી રાસબિહારી બોઝે સ્વયં નિવૃતિ લઇ ’આઝાદ હિન્દ ફોજ નું સુકાન સુભાષબાબુને સોંપ્યું.

તેમણે આકાશવાણી પર આપેલા ‘ચલો દિલ્હી’ અને ‘જયહિન્દ’ના સૂત્રો દેશભરમાં ગુંજી રહ્યાં. હિંદભરમાં યુવક પ્રવૃતિઓનું પ્રચંડ આંદોલન અને કામદાર વર્ગની સભાનતાને કારણે દેશભરમાં એક જબરદસ્ત જહાલ પક્ષ ઊભો થયો.

દરમિયાન છૂપી પોલીસ તો સુભાષબાબુને પકડવા આકાશ-પાતાળ એક કરી રહી હતી.તેઓ વિમાન માર્ગે બર્લિન ગયા. બર્લિનમાં હિટલરે એમનું જાહેર સ્વાગત કર્યું અને ‘હિંદના સરનશીન’ તરીકે ઓળખાવ્યા.

સુભાષબાબુ સીંગાપુરથી સાયચીન પહોંચ્યા તે પછીની વિમાનયાત્રા અને ઘટનાઓ પર રહસ્યનું ધુમ્મસ આજ દિન સુધી છવાયેલું છે. વીસમી ઓગષ્ટ, 1945ના રોજ આ અણનમ યોદ્ધાને આખરી સલામ આપવામાં આવી.

તેમના દેહના વિસર્જન છતાં પણ આ યોદ્ધો મર્યો નથી. તેમની ફનાગીરીની જ્યોત ભારતવાસીઓમાં સદૈવ ઝળહળે છે.